મીડિયા માટે BREAKING NEWS "મહિલાઓની દારુની મહેફિલ"
શું આ મુદ્દાઓ દેશ માટે એટલા જરુરી છે કે, જેમાં સ્ત્રીના સન્માનની ચિંતા કર્યા વગર બ્રેકિંગ ન્યૂઝ બનાવી દેવામાં આવે. ગુજરાતમાં દારુની મહેફિલ એ ગુજરાતનો પહેલો કિસ્સો તો નથીને, આવી 365 દિવસની 30065 પાર્ટીઓ ગુજરાતમાં દરરોજ થાય છે. ગુજરાતમાં જ્યારે દારુબંધી છે તો, આ દારુ ક્યાંથી આવ્યો એ કોયડો ઉકેલવાની જગ્યાએ દરેક મીડિયા ચેનલે મહિલાઓના ચારિત્ર્યને ખુલ્લે આમ બદનામ કર્યું છે.
સ્વતંત્ર દેશમાં સ્વતંત્રતાનો અધિકાર જ્યારે આપવામાં આવે છે, તો એ પુરુષ હોય કે સ્ત્રી બંનેને સરખા હક મળે છે. આવી પાર્ટીઓ જ્યારે પુરુષો દ્વારા કરવામાં આવે તો ત્યારે કેમ કોઇ ચેનલ કે અખબાર તેની પાછળ કેમેરા લઇને ભાગતું નથી? જે લોકો ગુજરાતમાં વસે છે એ લોકો માટે દારુબંધી છે, તેનો અર્થ એવો તો નથી કે ગુજરાતની બહાર જઇને પણ દારુ નથી પી શકતા અને ગુજરાતના લોકો ખાસ દારુ પીવા બહાર જતા હોય છે. આ સંપૂર્ણ કેસમાં એક જ બાબત વિચારવા જેવી છે કે આ દારુ આવ્યો ક્યાંથી?
મીડિયાએ દારૂ વિશે વિચારવાની જગ્યાએ આજે ગુજરાતની પોલીસ પણ મહિલાઓની પાછળ પડી ગઇ છે. કોઇએ વિચાર્યુ કે, આવું કરવાથી એ મહિલાઓની આવનારી જીંદગી પર કેવી અસર થશે? આ મહિલાઓમાંથી અમુક પરણિત હશે તો અમુકના લગ્ન પણ નહીં થયા હોય. મીડિયાએ બ્લર કર્યા વગર આ મહિલાઓના ચહેરા લોકો સમક્ષ બતાવીને પોતાની મહાનતા સાબિત કરી દીધી છે.
- કોઇ મહિલાનો પતિ ઓફિસ જાય અને તેને પુછવામાં આવે કે પેલી તારી જ વાઇફને કાલે ન્યૂઝમાં આવતી હતી
- કોઇ પરિવારજનોને કહેશે કે, પેલી તમારી જ વહુ હતીને કાલે તે દારુના સમાચારમાં સામે આવી હતી, તમે તો કહેતા હતા કે બહું સંસ્કારી છે.
- કોઇ બાળકને શાળામાં તેનો મિત્ર કહેશે કે, તારી મમ્મી ટીવીમાં આવી હતી.
- કોઇ કુંવારી હશે તો તેના લગ્ન નહીં થાય.
મીડિયા પ્રજાની માટે કામ કરે છે. પ્રજાના હિતમાં કામ કરવુ એ મીડિયાનું કામ છે. આવું કરી મીડિયા સાબિત કરી રહી છે કે, તે કોઇ આતંકવાદીના ઇન્ટરવ્યું નથી લાવી શકતી, પણ આમ દરોડા પાડી મહિલાઓના ફોટા જાહેર કરી શકે છે. ગુજરાતમાં દારુ ક્યાંથી આવે છે? જો દારુ બંધી છે તો દેખાતી કેમ નથી? ગુજરાતની સીમાની અંદર દારુ કેવી રીતે લાવવામાં આવે છે? આ સંપૂર્ણ બાબતો વિચારવા જેવી છે. આજે એક ગુજરાતી મીડિયામાં કામ કરીને એવું લાગે છે કે આ એક સંકુચિત માધ્યમ છે. મારે મીડિયાને જણાવવું છે કે, ચહેરા એના સામે લાવો, જેણે આ દારુ ગુજરાતમાં આવવા દીધો. કોઇ દિવસ મનમાં પ્રશ્ન નથી આવ્યો કે, આટલા બધા દરોડા અને લાખોનો દારુ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે, તેમ છતાં શા માટે આ બુટલેગરોને બીક નથી. ક્યાંક એવુ તો નથીને કે, ગુજરાતના લોકોને બતાવવા માટે કે તંત્રનું ગુજરાતમાં દારુબંધી જાળવી રાખવામાં કામ ચાલુ છે, પરંતુ દારૂ ક્યાંથી આવ્યો એની જગ્યાએ કીટી પાર્ટીનો ખુલાસો કરવામાં લાગી છે આજનું આ ગુજરાતી મીડિયા.
નોંધ : આ પોસ્ટમાં જે તે ચેનલ કે અખબારના ફોટા નહી ઉમેરવાનું કારણ એ છે કે હું જે બાબતનો વિરોધ કરુ છુ. તે મહિલાઓને હું જાહેર નથી કરવા માંગતી.



